એશિયન ગેમ્સ 2026નું સમાપન થઈ ગયું છે. રવિવારે જાપાનના નાગોયા શહેર સ્થિત મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. તેમાં ભારતીય શૂટર નીરુ ઢાંડા ભારતની ધ્વજવાહક હતી અને તેણે તિરંગો લહેરાવ્યો.
આ પહેલાં સાઉદી અરેબિયાના ઘોડેસવાર હમદ અલદુહામીએ ગેમ્સનો છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે આગામી એશિયન ગેમ્સ 2030માં કતારની રાજધાની દોહામાં રમાશે.
થાઈલેન્ડના એથ્લેટ બૂનસોન પુરિપોલ અને ચીનની 13 વર્ષની તરવૈયા યુ જિદીને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ આપવામાં આવ્યો. બૂનસોને પુરુષોની 100 મીટર રેસની સેમિફાઇનલમાં 9.91 સેકન્ડનો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. ફાઇનલમાં તેણે 9.90 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
ત્યારબાદ 200 મીટરની સેમિફાઇનલમાં 20.10 સેકન્ડનો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. ફાઇનલમાં 19.88 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેનો સમય એશિયન રેકોર્ડની બરાબરીનો રહ્યો.
યુ જિદીએ મહિલાઓની 200 મીટર બટરફ્લાયમાં 2:05.08ના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 200 મીટર વ્યક્તિગત મેડલેમાં 2:06.10નો એશિયન રેકોર્ડ બનાવ્યો. તેણે 400 મીટર વ્યક્તિગત મેડલેમાં 4:28.56ના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.