દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકા અંતર્ગત આવતા માદેવીયા ગામ નજીક ચોકીવારી વિસ્તારમાં જમીન વિવાદને મુદ્દે ફાયરિંગની ઘટના સામે આવી છે. કૌટુંબિક ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલા ફાયરિંગમાં બે વ્યક્તિને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક વિગતો મુજબ, માદેવીયા ગામ નજીક જમીનના માલિકી હક અને સીમા વિવાદને લઈને કૌટુંબિક ભાઈઓ વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. આ મુદ્દે થયેલી માથાકૂટ દરમિયાન ઉશ્કેરાટમાં આવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં બે લોકોને ઈજા પહોંચી હતી.
ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામ ખંભાળિયા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને ફાયરિંગ કરનાર આરોપીઓની અટકાયત અને સમગ્ર મામલાની કાયદેસરની તપાસ હાથ ધરી છે.