પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ચોમાસા દરમિયાન સર્જાતી પાણીના ભરાવાની સમસ્યા દૂર કરવા અને રેલ સંચાલનની સુરક્ષા વધારવા ઓખા–ગોરિંજા સેક્શનમાં વધારાના પાણી નિકાલ માર્ગનું નિર્માણ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના જણાવે છે કે 15 મીટર લંબાઈ, 3 મીટર પહોળાઈ અને 1.9 મીટર ઊંચાઈ ધરાવતા આ નિકાલ માર્ગથી ભારે વરસાદમાં ટ્રેકની આસપાસ પાણી એકત્રિત થવાની સમસ્યા હલ થશે. અગાઉ રેલવે ટ્રેકની જમણી બાજુ પાણી ભરાતા ટ્રેક ધોવાઈ જવાનું જોખમ રહેતું હતું. હવે આ પાણી જમણી બાજુથી ડાબી બાજુ વહીને નેશનલ હાઈવેના પુલ મારફતે સરળતાથી બહાર નીકળી જશે.
આ વ્યવસ્થાથી પ્રતિકૂળ હવામાનમાં ટ્રેનોનું સલામત સંચાલન શક્ય બનશે અને ચોમાસામાં સમયપત્રક જાળવવામાં મદદ મળશે. આ કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રે 23:00 વાગ્યાથી સવારે 04:00 વાગ્યા સુધી ટ્રાફિક બ્લોક લેવાયો હતો. નિયત સમયમાં નિર્માણ પૂરું કરીને બ્લોક સમાપ્ત કરી ટ્રેન વ્યવહાર પુનઃ શરુ કરી દેવાયો હતો. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે ચોમાસામાં રેલ સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ વધારાના પાણી નિકાલ માર્ગથી ભારે વરસાદમાં અસરકારક નિકાલ થશે અને રેલવે ટ્રેકના ધોવાણ તેમજ નુકસાનનું જોખમ ઘટશે.