‘તમે મને સમય આપતા નથી’, જન્મદિવસના આગલા દિવસે પરિણીતાનો આપઘાત

રાજકોટના વર્ધમાનનગર વિસ્તારમાં આવેલી વર્ધમાન ગ્રીન રેસિડેન્સી ખાતે 23 વર્ષીય પરિણીતા માનસીબેન આંબલીયાએ પોતાના જન્મદિવસના એક દિવસ પહેલાં જ પિયર આવીને નવમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. “તમે મને પૂરતો સમય નથી આપતા” તે બાબતે પતિ સાથે થયેલા વિવાદ અને માનસિક તણાવ બાદ પરિણીતાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સારવાર દરમિયાન રાત્રે મોત નીપજ્યું
ગતરાત્રે નવમા માળેથી ઝંપલાવ્યા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી માનસીબેનને તુરંત સારવાર અર્થે એઈમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે રાત્રિના 8 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પતિ સમય ન આપતો હોવાની અવારનવાર ફરિયાદ હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક માનસીબેનના લગ્ન 30 જાન્યુઆરી, 2023ના રોજ રેલનગરના મિલન આંબલીયા સાથે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી પતિ પૂરતો સમય આપતો ન હોવા બાબતે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. ઘટનાના આગલા દિવસે પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાં નારાજ માનસીબેન સાસરી છોડી પિયર આવી ગયા હતા, જ્યાં માનસિક તણાવમાં તેમણે આ પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *