ઉપલેટા શહેરમાં દસ્તાવેજથી ખરીદેલી સ્થાવર મિલકત પર કબજો કરી કિંગ સર્વિસ સ્ટેશન શરૂ કરવાના મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરના હુકમ બાદ ઉપલેટા પોલીસે પિતા-પુત્ર સહિત 3 સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ઉપલેટાના યાદવ રોડ પર રહેતા 31 વર્ષીય ખેડૂત વિમલભાઈ મેણશીભાઈ ડેરે 19 એપ્રિલ 2025ના રોજ અકિલ બસીરભાઈ ફુલારા અને અન્ય મૂળ માલિકો પાસેથી વેચાણ દસ્તાવેજથી મિલકત ખરીદી હતી. અગાઉના ભાડૂઆત જુનેદ યાકુબભાઈ નાથાણીએ નોટરી કરાર કરી જગ્યા ખાલી કરી હતી.
20 એપ્રિલે વિમલભાઈ મિલકતનો કબજો લેવા પહોંચ્યા ત્યારે સલીમ ઓસમાણભાઈ હિંગોરા, શાહનવાઝ સલીમભાઈ હિંગોરા અને સોયબ સલીમભાઈ હિંગોરાએ ગેરકાયદે કબજો કરી ત્યાં કિંગ સર્વિસ સ્ટેશન શરૂ કરી દીધું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ફરિયાદીએ વેચાણ દસ્તાવેજ બતાવી જગ્યા ખાલી કરવા કહેતા ત્રણેયે ઇનકાર કર્યો હતો અને ફરી ત્યાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. ત્રણેય સામે અગાઉ ગુનાહિત પૃષ્ઠભૂમિ હોવાનો દાવો પણ ફરિયાદમાં કરાયો છે. પોલીસે કલેક્ટરના હુકમના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી કરાઇ હતી
ફરિયાદીએ અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત અરજી કરી હતી, પરંતુ આ વ્યક્તિઓએ ઉપલેટા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને આ કાર્યવાહી અટકાવી દીધી હતી ત્યારે કાનૂની લડત બાદ અંતે 7 મે 2026ના રોજ સિવિલ કોર્ટે આ દાવો રદ કર્યો હતો અને ત્યારબાદ વિમલભાઇએ ન્યાય મેળવવા ફરીથી રાજકોટ કલેક્ટરમાં અરજી કરતા 23 સપ્ટેમ્બર 2026ના રોજ હુકમ કરતા આ ત્રણેય પિતા-પુત્રો વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ 4(3), 5(ગ) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 3(5) મુજબ સત્તાવાર ગુનો દાખલ કરાયો છે ત્યારે આ કેસમાં સામે ત્રણેય પિતા પુત્રની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.