વૃદ્ધાને વાતોમાં પરોવી ચોરી કરનાર મહિલા સહિત ત્રિપુટી ઝડપાઇ

અમદાવાદના નિકોલ રોડ પર રહેતા અને શાકભાજીનો વેપાર કરતા જયાબેન દાજીભાઈ જીલીયા રાજકોટના રૈયાધાર ખાતે રહેતી પુત્રીને મળવા આવ્યા હતા. 2 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે એસ.ટી. બસમાંથી ઉતરીને ચાલીને જતા સમયે કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક થાક લાગતા તેઓ એક દુકાનના ઓટા પર બેઠા હતા. આ સમયે એક ઓટો રિક્ષામાં બે પુરુષ અને એક મહિલા આવ્યા હતા. જેમાંથી એક શખસે પોતાની પત્ની ખોવાઈ ગઈ હોવાનું કહી વૃદ્ધાને વાતોમાં પરોવ્યા હતા. દરમિયાન નજર ચૂકવીને ઓટા પર રાખેલી દાગીના તથા રોકડા રૂ.10,000 ભરેલી થેલી ચોરીને રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાએ અમદાવાદ પરત ફર્યા બાદ પુત્રી સાથે રાજકોટ આવી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગોવિંદ ચારોલીયા, અર્જુન સોલંકી અને રેખા જખાણીયાને ઝડપી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને રીક્ષા મળી કુલ 81,000નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મચ્છોનગર ખાતે એક વૃદ્ધાના ઘરમાંથી રૂ.4.77 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. મચ્છોનગરમાં રહેતા અને શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા 65 વર્ષીય રામુબેન પોતાના ઘરને લોક કરવાનું ભૂલી જતાં, અજાણ્યો તસ્કર તકનો લાભ ઉઠાવી પલંગ નીચે રાખેલા તિજોરી-ટંકમાંથી રૂ.4.77 લાખના કિંમતી ઘરેણાં ચોરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કુવાડવા રોડ પર દુકાનમાંથી રૂ.4.45 લાખના દારૂ સાથે એકની ધરપકડ

​રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રાજારામા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, સદગુરુ એસ્ટેટ ડેલામાં આવેલી દુકાન નંબર 13માં દરોડો પાડી કુલ 4.45 લાખનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી રૂ.5,000ની કિંમતનો મોબાઇલ અને રૂ.50,000ની કિંમતનું એક્સેસ જપ્ત કરવામાં આવ્યું હતું. ​પકડાયેલ આરોપી લાલજી ઉર્ફે લાલો જગદીશભાઇ ડાભી વિરુધ્ધ અગાઉ કુવાડવા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે પકડવાનો બાકી રહેલો આરોપી પરષોત્તમ ઉર્ફે ગુગાભાઇ જાદવભાઇ કુમારખાણીયા અગાઉ થોરાળા, કુવાડવા રોડ, આજીડેમ અને ડીસીબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન, એમ.વી. એકટ અને હત્યાના પ્રયાસ સહિત 7 જેટલા ગંભીર ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *