રાજકોટમાં વધુ એક પરણિતાને સાસરીયાંનો ત્રાસ

રાજકોટ શહેરમાં પતિ અને સસરા દ્વારા પરણિતાને શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. બાપા સીતારામ ચોક વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરણિતા કાજલબેન ડોબરીયાએ પોતાના પતિ વિશાલ અને સસરા અશ્વિનભાઈ સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પરણિતાએ પતિ પર અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો રાખવા, માનસિક-શારીરિક ત્રાસ આપવો અને સસરા પર વિકૃત વર્તન કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

​ફરિયાદી કાજલબેનએ જણાવ્યું હતું કે, તેમના લગ્ન નવેમ્બર 2022માં રાજકોટના કોઠારીયા સોલવન્ટ રોડ પાસે રહેતા વિશાલ અશ્વિનભાઈ ડોબરીયા સાથે કોર્ટ તથા સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ સાસરીમાં સાથે રહેતી વખતે સસરા અશ્વિનભાઈની દાનત ખરાબ જણાતાં અને તેઓ પરણિતાના કપડાં કબાટમાં મૂકી હેરાન કરતા હોવાથી, પતિને વાત કરી બંને ભાડાના મકાનમાં અલગ રહેવા ગયા હતા. પરંતુ અલગ રહેવા ગયા બાદ પણ પતિનો ત્રાસ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતો ગયો હતો.

​અલગ મકાનમાં ગયા પછી પતિ વિશાલ નાની-નાની વાતોમાં અસહ્ય માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. મોડા ઘરે આવવું નશાની હાલતમાં ગાળાગાળી કરવી અને બહાર હરવા-ફરવા કે જમવા લઈ જતી વખતે બિલ પરણિતા પાસે ભરાવવું જેવું વિચિત્ર વલણ દાખવતો હતો. પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોવાથી તે પરણિતા સાથે છૂટાછેડા લેવાના ઇરાદાથી જ સતત માનસિક ત્રાસ આપતો હતો તથા પરણિતાને માતૃત્વના સુખથી પણ વંચિત રાખી દુર-દુર રહેતો હતો.

​પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ગત મે 2026માં પતિ ઘરનું વોશિંગ મશીન તથા પરણિતાના અભ્યાસના તમામ અસલ ડોક્યુમેન્ટ્સ લઈને તેને એકલી મૂકી પિતા સાથે રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં સોસાયટીના પાર્કિંગમાંથી પરણિતાનું એક્ટિવા વાહન પણ અંગત સામાન અને કપડાં સાથે લઈ ગયો હતો. વડીલોની હાજરીમાં સમાધાન માટે બેઠક બોલાવવામાં આવતાં પતિએ સાથે રહેવાની સ્પષ્ટ ના પાડી “મને જેલમાં નાખી દો, મારે સાથે નથી રહેવું” તેમ કહી છૂટાછેડાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *