રાજકોટ મહાનગરપાલિકાનાં જન્મ-મરણ વિભાગમાં હાલ 4 લાખ એન્ટ્રી(નોંધ) પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જન્મ-મરણ વિભાગના કર્મચારીઓનાં ટેબલો ઉપર ફાઈલોનાં થપ્પા હોવાથી દાખલો મેળવવા માટે 1 માસ જેટલો સમય લાગી રહ્યો છે. આ કારણે આધારકાર્ડ માટે પણ હાલ 2025 પછીના દાખલાઓ માન્ય ગણવામાં આવતા હોવાથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જો કે આ અંગે જન્મ-મરણ વિભાગના અધિકારીએ ઓક્ટોબર સુધીમાં તમામ ડેટા CRS પોર્ટલ પર અપલોડ કરવાની ખાતરી આપી છે. ત્યાં સુધી અત્યંત જરૂરી હોય તો જ દાખલો લેવા આવવું તેવી અપીલ પણ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં મુકાયેલા CRS (સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ) પોર્ટલ પર ડેટા અપલોડ કરવાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે. જો કે, અગાઉના વર્ષોનો મોટો ડેટા બાકી હોવાના કારણે અત્યાર સુધીમાં મરણની આશરે 4 લાખ નોંધો પોર્ટલ પર ચડાવવાનું કામ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. આ પોર્ટલ અમલમાં આવ્યું ત્યાર પછીના દાખલાઓ જ આધારકાર્ડ સહિત વિવિધ કામગીરીમાં માન્ય ગણાય છે. જેને લઈને આ દાખલાઓ કઢાવવા અરજદારોનો ધસારો વધતા હાલ કર્મચારીઓનાં ટેબલે ફાઈલોનાં થપ્પા જોવા મળી રહ્યા છે. અને સામાન્ય ગણાતો આ દાખલો કઢાવવા માટે 1 મહિના કરતા વધુ સમય લાગતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે.