ગુજરાતમાં જમીન દફતર ખાતાના કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પે માં વધારા અને તેમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવાની માગણી સાથે મોરચો માંડવામાં આવ્યો છે. ગત 19મી તારીખે માસ સી.એલ. પર ઉતર્યા બાદ, આજે રાજકોટ સહિત રાજ્યના આશરે 2,000 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.
આ હડતાલના કારણે જમીનને લગતી મહત્વની કામગીરી જેવી કે માપણી, રી-સર્વે, સીટી સર્વે, ટિપ્પણ અને નકશાની નકલ આપવા સહિતના તમામ કાર્યો સ્થગિત થઈ ગયા છે. કર્મચારીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણમાં સામાન્ય નાગરિકો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ટેકનિકલ કામગીરી મુજબ ગ્રેડ-પે સુધારવાની માગણી
કર્મચારી હર્ષ ડાભીના જણાવ્યા મુજબ, તેઓ મુખ્યત્વે ટેકનિકલ સાધનો જેવા કે ટોટલ સ્ટેશન, ડીજીપીએસ અને ઓટોકેડનો ઉપયોગ કરીને જમીનની માપણી અને દસ્તાવેજોની જાળવણી કરે છે. આથી તેમની ટેકનિકલ કામગીરી મુજબ ગ્રેડ-પે સુધારવાની માગણી વાજબી છે. વર્ષ 2024માં હડતાલ દરમિયાન સરકારે આ બાબતે આશ્વાસન આપ્યું હતું. જેને દોઢ વર્ષ વીતી જવા છતાં ઉકેલ નહીં આવતા આખરે કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનો માર્ગ અપનાવાયો છે.