રાજકોટના જામનગર રોડ પર આવેલા એઇમ્સ સર્કલ પાસે ગઇકાલે(20 સપ્ટેમ્બર) બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર પ્રૌઢ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે પ્રૌઢના આકસ્મિક મોતથી ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
પૂરપાટ ઝડપે કાર ચાલકે બાઇકને ટક્કર મારી
મૂળ પોરબંદરના વતની અને હાલ રાજકોટમાં મવડી ચોકડી નજીક આવેલી હિમાલય શેરી નંબર 2માં રહેતા 58 વર્ષીય અશોકભાઈ પ્રેમજીભાઈ છાયા ગઈકાલે બપોરના સમયે પોતાના બાઇક પર એકલા એઇમ્સ હોસ્પિટલ ખાતે દવા લેવા માટે ગયા હતા. દવા લીધા બાદ તેઓ ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે એઇમ્સ સર્કલ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા કાર ચાલકે બાઇકને ઠોકર મારી હતી.
પ્રૌઢને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત થયું
આ અકસ્માતમાં અશોકભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત અશોકભાઈને ઈમરજન્સી સારવાર માટે પ્રથમ ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ તબિયત વધુ નાજુક બનતાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
બનાવ અંગે જાણ ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક અશોકભાઈ ફર્નિચર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી નાના હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ હોવાનું સામે આવ્યું છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી વધુ તપાસ હાથ ધરી છે.