રાજકોટ સિવિલ હોસ્પિટલે ફરી એકવાર ઉત્કૃષ્ટ તબીબી સારવાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને સ્ટાફની નિષ્ઠાના પરિણામે ત્રણ વર્ષથી અસહ્ય પીડા ભોગવતા 56 વર્ષીય મુકેશભાઈ પટેલને સફળ ઓપરેશન બાદ દુખાવા વગર ચાલવાની નવી શક્તિ મળી છે. બીજી તરફ પરિવાર હોવા છતાં એકલવાયું અને અસહાય જીવન જીવતા 50 વર્ષીય વિક્રમભાઈ સોલંકીને યોગ્ય તબીબી સારવારની સાથે હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા માનસિક હૂંફ અને માર્ગદર્શન આપીને પુનઃ સ્વસ્થ જીવન તરફ વાપસી કરાવવામાં આવી હતી. આ બંને કિસ્સાઓએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારી રીતે કાળજી લેવામાં આવતી હોવાની વાતને સાબિત કરી છે.
3 વર્ષથી જમણા ગોઠણના અસહ્ય દુ:ખાવાથી પીડાતા
પ્રથમ કિસ્સાની વિગતવાર વાત કરીએ તો, દેગામ (ખીરસરા) સ્થિત સત સેવા ગાંડાની મોજ આશ્રમ ખાતે રહેતા 56 વર્ષીય મુકેશભાઈ બાબુભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી જમણા ગોઠણના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. પીડા એટલી તીવ્ર હતી કે તેમનું સામાન્ય ચાલવું અને બેસવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું હતું. આ અસહ્ય યાતનામાંથી મુક્તિ મેળવવા માટે તેઓ 12 સપ્ટેમ્બર 2026ના રોજ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા તમામ જરૂરી તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી.