વાસાવડમાં બાલ હનુમાન ગ્રુપ 8 વર્ષથી ગણેશોત્સવ ઉજવે છે

ગોંડલ તાલુકાના વાસાવડમાં બાલ હનુમાન ગ્રુપ છેલ્લા આઠ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરે છે. લેનપા વિસ્તારના યુવાનો દ્વારા આયોજિત આ ઉત્સવમાં આશરે સાડા ચાર ફૂટ ઊંચી ગણપતિ બાપ્પાની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ પંડાલ પણ બનાવવામાં આવ્યો છે.

આ વિસ્તારના લોકો જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવે છે. દરરોજ સવાર-સાંજ અલગ અલગ પરિવારો પૂજા અને આરતીનો લાભ લે છે. જે પરિવારનો પૂજાનો વારો હોય, તે આખો દિવસ બાપ્પાને ભોજન પ્રસાદ અને આરતી અર્પણ કરે છે.

દરરોજ સવારે ગજાનન ગણપતિ મહારાજનું પ્રેમપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે અને દાદાને દૂધ ચઢાવવામાં આવે છે. બપોરે અલગ અલગ ઘરેથી વિવિધ મિષ્ટાન સાથેનો ભોજન થાળ દાદાને ધરવામાં આવે છે. રાત્રિના સમયે ગણેશ પંડાલ સામે લતાવાસીઓ દ્વારા રાસ-ગરબા અને ધૂન-કીર્તન કરવામાં આવે છે.

ગણપતિ ઉત્સવના છેલ્લા દિવસે ભાવિકો દ્વારા દાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરવામાં આવે છે. બપોર બાદ શુભ ચોઘડિયે ગજાનન ગણપતિ મહારાજનું નજીકના જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જન યાત્રામાં વાસાવડ ગામના દરેક વિસ્તારના લોકો ઉત્સાહભેર જોડાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *