રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ, લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાયો

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 01 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન શહેરના વિવિધ જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણો સામે કડક કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રસ્તા પર નડતર રૂપ 90 રેકડી/કેબીન, 413 પરચુરણ ચીજવસ્તુઓ અને 3408 કિલો શાકભાજી તથા ફળો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાહેર માર્ગો પરથી 1720 બોર્ડ-બેનરો પણ દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા નિયમભંગ કરાનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરતા મંડપ કમાન છાજલી ભાડા પેટે રૂ. 2,43,450 વસૂલ કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વિસ્તારોમાંથી રૂ. 8,51,098 નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. શહેરના રસ્તાઓ સુગમ બનાવવા અને વાહનવ્યવહારની સુવિધા સુધારવા માટે આ કામગીરી કરવામાં આવી હતી.

ગૌશાળાની ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરો, સંચાલકોની કલેક્ટરને રજૂઆત

રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન થવાના કારણે પશુધન માટે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. વરસાદ ખેંચાતા ઘાસચારો ફેલ થયો છે અને તેના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, જેના લીધે ગૌશાળાઓની ગાયોનો નિભાવ કરવો અત્યંત મુશ્કેલ બન્યો છે. મોંમાગ્યા દામ ચૂકવવા છતાં ઘાસચારો ન મળતાં કિશાન ગૌશાળા, કામધેનુ ગૌશાળા, રામકૃપા ગૌશાળા, વેલનાથ ગૌશાળા અને ગોકુલ ગૌશાળા સહિતના સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ તંત્રને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

અગાઉ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રૂબરૂ આવેદનપત્ર પાઠવી ફોરેસ્ટ વિભાગની વીડીનું ઘાસ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કલેક્ટર તંત્રને પરિપત્ર પાઠવવામાં આવ્યો હોવાનું જણાવાયું હોવા છતાં, સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. જેથી ગૌશાળા સંચાલકોએ ગાયો માટે તત્કાલ સુકા ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *