રાજકોટ જામનગર રોડ પર આવેલ સૂર્યકાંત હોટલની પાછળ રત્નમ સ્કાય સિટીની બાજુમાં આવેલ ગુલમહોર વુડ બંગલો નંબર 19માં રહેતા દિવ્યાંગ રાજેશભાઈ પોબારુ (ઉ.વ.31) ગઈકાલે પોતાના ઘરેથી નીકળી સાંજના 6 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ફાટક પાસે પહોંચી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સ્થાનિકોએ 108ને જાણ કરતા એઇમ્સ હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન શેરબજારનું કામ કરતો હોવાનું અને પોતે અપરિણીત હોવાનું સામે આવ્યું છે. જો કે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમીના અન્ય યુવતી સાથે મૈત્રી કરારથી યુવતીએ ફિનાઈલ પીધું
જામનગર રોડ પર રહેતી 28 વર્ષીય યુવતી છેલ્લા છ વર્ષથી કિશન સાગઠીયા સાથે મૈત્રી કરારથી રહેતી હતી. કિશનને અગાઉના લગ્નથી એક પુત્રી પણ છે. દરમિયાન કિશને એક મહિના પહેલાં અન્ય એક યુવતી સાથે પણ મૈત્રી કરાર કરી લીધા હતા. આ બાબતની જાણ થતાં યુવતી અને કિશન વચ્ચે ઝઘડો થયો હતો જેનાથી મનદુઃખ પામી યુવતીએ પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.