રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે રૂ.68.79 લાખની છેતરપિંડી થયા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સોની વેપારી દ્વારા છેલ્લા 8 વર્ષથી પરિચિત બંગાળી કારીગરને છેલ્લા બે વર્ષમાં પાલીસ કરવા માટે 467 ગ્રામથી વધુ 22 કેરેટ સોનું આપ્યું હતું જે પરત ન કરતા વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
“મોમાઇ ગો” નામની દુકાનમાં બેસી સોનીકામ કરૂં છું
બિમલભાઇ ચલ્લા નામના સોની વેપારીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાથીખાના મેઇન રોડ ઉપર ગોલ્ડ સુક બિલ્ડીંગમા “મોમાઇ ગો” નામની સોની કામની દુકાન છે, ત્યાં બેસી સોનીકામ કરૂં છું. સોનાના દાગીના પાલીસ કરવા રજકોટ સોની બજાર સવજીભાઇની શેરીમા આવેલ જે.પી.ટાવરમા ત્રીજા માળે “અલી ગો” નામની દુકાન એસ.કે. ઓસ્માન અલી મુથુર અલી શેખને આપું છું. તેમને હું સાત આઠ વર્ષોથી ઓળખું છું.
22 કેરેટના દાગીના પાલીસ કામ માટે આપ્યા હતા
ઓસ્માન અલીને વર્ષ 2025મા કટકે કટકે કૂલ 467.390 ગ્રામ સોનાના દાગીના 22 કેરેટના પાલીસ કામ કરવા માટે આપ્યા હતા જેની હાલની બજાર કિંમત રૂપિયા 68,79,980 થાય છે જે સોનુ મારે તેની પાસેથી લેવાનુ હતું અને મારે મારા ધંધામા જરૂરીયાત હોય જેથી મે એસ.કે. ઓસ્માન અલી પાસે મારે લેવાનુ બાકી સોનુ માગતા થોડા સમયમા આપી દઈશ તેવા ખોટા બહાના કાઢતો હતો પરંતુ આજદિન સુધી પરત આપ્યું નથી.