રાજકોટનાં શીતલપાર્ક તરફ જતા રસ્તે મુકેલા બેરીકેડ ખોલાવવા હલ્લાબોલ

રાજકોટનાં જામનગર રોડ પર સાંઢીયો પુલ બન્યો છતાં ટ્રાફિક સમસ્યા યથાવત છે. ત્યારે ટ્રાફિકનાં નિયમનમાં સદંતર નિષ્ફળ રહેલી પોલીસ દ્વારા મનસ્વી રીતે શીતલ પાર્ક જવાના રસ્તે છેલ્લા થોડા દિવસોથી બેરીકેડ મારી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને લોકોને 2કિમીનો ફેરો ફરવાની ફરજ પડતી હતી. તાજેતરમાં જ દિવ્યભાસ્કરે આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં રેલનગરનાં લોકોમાં ભારોભાર રોષની લાગણી હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આમ છતાં પોલીસ તંત્ર દ્વારા આ બેરીકેડ હટાવવામાં આવ્યા નહોતા. જેને લઈને આજે રેલનગરનાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાત્રીના સમયે મોટી સંખ્યામાં આ બેરીકેડ ખોલાવવા માટે ટોળા ઉમટ્યા હતા. અને પીલીસ સાથે બોલાચાલીનાં દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અંતે પોલીસે લોકરોષ સામે ઝૂકીને હાલ તો આ બેરીકેડ ખોલવાની ફરજ પડી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જ્યારથી સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથી લોકો વધુ હેરાનગતિ ભોગવી રહ્યા હતા. રાજકોટના રેલનગર વિસ્તારથી જામનગર રોડને જોડતા રસ્તા પર ટ્રાફિક શાખા દ્વારા લગાવવામાં આવેલા બેરીકેટ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. રેલનગર અને જામનગર રોડને જોડતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી બેરીકેટ લગાવવામાં આવતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.

ખાસ કરીને રેલનગરથી કાલાવડ રોડ, રેસકોર્સ અને 150 ફૂટ રિંગરોડ તરફ જવા માટે લોકોને ખૂબ લાંબો ચક્કર લગાવવો પડતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુશ્કેલીથી કંટાળેલા રેલનગર વિસ્તારના લોકો આજે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રસ્તા પર બેસીને રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ જાતે જ બેરીકેટ હટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ સાથે સ્થાનિકોની બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આપ નેતા પદ્મિનીબા વાળા પણ વિરોધમાં જોડાયા હતા. અને લોકોએ બેરીકેડ ખોલી નાખ્યા હતા. તેમજ ફરી આ બેરીકેડ લાગશે તો આંદોલન કરવાની ચીમકી પણ પદ્મિનીબાએ ઉચ્ચારી હતી.

રેલનગરમાં રહેતા સમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગત 28 ઓગસ્ટથી પોલીસ તંત્ર દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો છે. એ ટાઈમે જ્યારે અમને રજૂઆત કરી ત્યારે અમને એવું કહ્યું કે સાતમ-આઠમ છે એના કારણે અમે રોડ બંધ કરેલો છે. સાતમ-આઠમ પુરી થયાને 10 દિવસ જેવું થઈ ગયું છે, છતાં હજુ આ લોકોએ રોડને ખુલ્લો મુક્યો નથી. આ અંગે જાણ કરતા અમને એમ કહ્યું કે આ રોડ ટેમ્પરરી બંધ કરેલો છે, અમે હમણાં ઓપન કરશું નહીં કારણ કે ટ્રાફિક વધારે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *