ફ્લેટ ખાલી કરાવવા બાબતે પિતા-પુત્રનો પરિવાર ઉપર લોખંડના પાઇપથી હુમલો

શહેરના ટાગોર રોડ પર આવેલી રાજમંદિરવાળી શેરીમાં ફ્લેટ ખાલી કરાવવા મુદ્દે એક પરિવાર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. મૂળ બિહારના અને હાલ રાજકોટમાં શ્રી એપાર્ટમેન્ટમાં રહેતાં 40 વર્ષીય લલિતાદેવી લલિતકુમાર ઝાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ નવનીતભાઈ, તેમના પુત્ર રુદ્ર તેમજ અન્ય અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ લલિતાદેવીના પુત્ર પ્રિન્સને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ સમયે લલિતકુમાર અને તેમની દીકરી છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ લલિતકુમારને માથાના ભાગે અને જમણા પગે પાઇપના ફટકા માર્યા હતા, જ્યારે પ્રિન્સને બંને પગમાં મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીઓએ ગાળો ભાંડી, ફ્લેટ ખાલી નહિ કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થોરાળામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા 8 શખ્સોએ પાઈપ અને ધોકાથી હુમલો કર્યો રાજકોટના થોરાળા મેઈન રોડ ઉપર આવેલા બાપા સીતારામનગરમાં બાઈક ધીમું ચલાવવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 8 શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. 40 વર્ષીય કિરણભાઈ સોલંકીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 12 સપ્ટેમ્બરની રાત્રે 9:30 વાગ્યે આરોપી કૃણાલ રાઠોડ પૂરઝડપે બાઈક ચલાવી રહ્યો હતો. આથી કિરણભાઈના પત્ની અને માતાએ તેને બાઈક સરખી રીતે ચલાવવાનું કહેતા, અન્ય આરોપીઓ વિક્રમભાઈ અને ભૂપતભાઈએ ગાળો આપી હતી.

આ બાબતનું મનદુઃખ રાખીને કૃણાલ, વિક્રમ, ભૂપત, જુગલ, નિલેશ, અનિકેત, ભાનુબેન અને રાજુ નામના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે હુમલો કર્યો હતો. જેમાં વિક્રમે કિરણભાઈને પકડી રાખ્યા હતા અને ભૂપતભાઈએ પાઈપથી માર માર્યો હતો તેમજ જયશ્રીબેન છોડાવવા પડતા ભાનુબેને તેમના વાળ ખેંચી માર માર્યો હતો, જ્યારે જુગલે માથામાં ઈંટનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *