યુકેના એકજુટ રહેવા પર ફરી સવાલો ઉઠી રહ્યા છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના નેતાઓ સોમવારે વેલ્સની રાજધાની કાર્ડિફમાં મળવાના છે. ત્રણેયની માગ અલગ-અલગ છે, પરંતુ બધા યુકેની હાલની વ્યવસ્થામાં મોટા ફેરફારો ઈચ્છે છે.
ત્રણેય ક્ષેત્રોના ફર્સ્ટ મિનિસ્ટર લોકોને પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરવાનો અધિકાર આપવા પર સંયુક્ત નિવેદન જાહેર કરી શકે છે. તેમાં જરૂર પડ્યે આઝાદી કે યુકેથી અલગ થવા જેવા મોટા નિર્ણયો પર જનમત સંગ્રહ કરાવવાની વાત પણ હોઈ શકે છે.
સ્કોટલેન્ડ: અહીંની સત્તાધારી SNP સ્કોટલેન્ડને યુકેથી અલગ કરીને સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે.
વેલ્સ: રાષ્ટ્રવાદી પાર્ટી પ્લાઇડ કમરી વેલ્સને અલગ દેશ બનાવવાની માગ કરે છે અને વધુ અધિકારો ઈચ્છે છે.
નોર્ધન આયર્લેન્ડ: સત્તાધારી સિન ફેન યુકેથી અલગ થઈને આયર્લેન્ડ સાથે જોડાવાના પક્ષમાં છે. પાર્ટીના અધ્યક્ષ મેરી લૂ મેકડોનાલ્ડ પણ બેઠકમાં સામેલ થશે.
ત્રણેય ભાગો મળીને UK પર દબાણ બનાવશે
બ્રિટનની કેન્દ્ર સરકાર UK ને એકજૂટ રાખવા માંગે છે. જ્યારે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં વધુ અધિકારો અને વર્તમાન વ્યવસ્થામાં ફેરફારની માગ ઉઠી રહી છે.
ધ ટેલિગ્રાફ અનુસાર, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિની અને વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર રુન એપી ઇઓર્થવર્ટ સાથે નોર્ધન આયર્લેન્ડનું નેતૃત્વ પણ સંયુક્ત નિવેદનને સમર્થન આપી શકે છે.