સાથે ભણ્યા, રમ્યા અને સાથે જ ડૂબતા મોત થયું કાળજુ કંપાવનારી ઘટના રાજકોટના પડધરી તાલુકાના દહિસરડા આજી ગામની છે, જેમાં ચાર મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે. એક જ શેરીમાં રહેતા અને દરરોજ સાથે રમતા 3 મિત્રો અને તેની સાથે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મામાના ઘરે ફરવા આવેલા ભાણેજ સાથે શનિવારે(5 સપ્ટેમ્બર) બપોરે ગામના હનુમાન મંદિર પાછળના ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા, જેમાં એક બાદ એક ચારેય ડૂબવા લાગ્યા હતાં.
પ્રથમ બે મૃતદેહ મળ્યા બાદ ફાયર ટીમે બાકીના બે મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી, ત્યારબાદ ત્રીજો મૃતદેહ બહાર કાઢયો અને 8 કલાકની જહેમત બાદ રાત્રીના 11.30 વાગ્યે ચોથો મૃતદેહ મળી આવતા પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ નાના એવા ગામમાં એક સાથે ચાર બાળકોના મોતથી શોકનો માહોલ છવાયો છે.
દહિસરડામાં 3 મિત્રની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. જયારે મામાના ઘરે આવેલો ભાણેજ 12 વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતાના અંતિમ સંસ્કાર જામનગરના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામે થશે.