રાજકોટ શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુનાખોરી અને કાયદો-વ્યવસ્થાને લગતી અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં જાહેર માર્ગો પર મુસાફરોની નજર ચૂકવી ઉલટીનું નાટક કરી રોકડ રકમ સેરવી લેતી રીક્ષા ગેંગના સાગરીતને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. બીજી તરફ શહેરના અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં કૌટુંબિક કંકાસમાં નિંદ્રાધીન પત્ની પર પતિએ મોબાઈલ ફોન અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત કાલાવડ રોડ પર યુવકના ગળેફાંસો ખાઈ આપઘાતની ઘટના સામે આવી છે, જ્યારે પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે માલવિયાનગર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ નાગરિકોને સાયબર ફ્રોડ અને ચોરીમાં ગયેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ પરત સોંપ્યો છે.
રિક્ષામાં ઉલટીનું નાટક કરી ચોરી કરતી ગેંગનો સાગરીત દબોચાયો કુવાડવા રોડ સ્થિત રણછોડદાસજી આશ્રમ પાસેથી પસાર થતી રીક્ષામાં બેઠેલા વાંસજાળીયા ગામના પ્રૌઢ મહેન્દ્રભાઈ મકવાણા પોતાની દીકરીને નવું લેપટોપ અપાવવા માટે 50 હજાર રોકડા લઈને નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન સાથે બેઠેલા ગઠિયાઓએ ઉલટી-ઉબકાનું નાટક રચીને પ્રૌઢનું ધ્યાન ભટકાવી તેમના ખિસ્સામાંથી પચાસ હજારની રોકડ સેરવી લીધી હતી અને સામાન પડી ગયાનું બહાનું બનાવી ભાગી છૂટ્યા હતા. આ મામલે બી ડિવિઝન પોલીસે સઘન તપાસ અને બાતમીના આધારે ગેંગના 44 વર્ષીય સાગરીત ધનજી ઉર્ફે ધનો ગેડાણીને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 1.25 લાખની સીએનજી રિક્ષા અને 15 હજાર રોકડા મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે સંડોવાયેલા અન્ય બે સાથીદારો મોહિત ચૌહાણ અને સંજય ચૌહાણની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.