ન્યારી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ

રાજકોટમાં અપૂરતા વરસાદને કારણે આજી અને ન્યારી ડેમમાં પાણીની નવી આવક ન થતાં મહાનગરપાલિકાએ જૂન માસના અંત સુધી માટે 4000 એમએમસીએફટી નર્મદાનીરની માગણી કરી હતી. જોકે ટેકનીકલ કારણે રાજકોટનો નર્મદાનીર પુરવઠો એક સપ્તાહ માટે અટકાવી દેવાયો હતો.

પરંતુ શહેરમાં પાણીકાપની સ્થિતિ ટાળવા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી સતત રજૂઆતો બાદ સિંચાઈ વિભાગે છેલ્લા બે દિવસથી સૌની યોજના હેઠળ ન્યારી-1 ડેમમાં ફરી નર્મદાનીર ઠલવવાનું શરૂ કરી દીધું છે, જોકે આજી-1 ડેમમાં હજુ પુરવઠો શરૂ કરાયો નથી. પરંતુ ટૂંક સમયમાં આજી ડેમમાં પણ નર્મદાનાં નીર શરૂ કરવામાં આવનાર હોય ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની મુશ્કેલી પડશે નહીં.

રાજકોટમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડવાને કારણે પીવાના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. રાજકોટની જનતાને દૈનિક ધોરણે પર્યાપ્ત અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડતા મુખ્ય સ્રોત એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં જોઈએ તેવી પાણીની નવી આવક થઈ ન હતી. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને પાણીના સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ પાણી ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ આગામી જૂન માસના અંત સુધી શહેરની તરસ છિપાવી શકાય તે માટે તબક્કાવાર 4000 એમએમસીએફટી નર્મદાનીર આપવા માગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *