નેપાળમાં 4 દિવસથી અમદાવાદનું પટેલ દંપતી ગુમ

ગત 26 ઓગસ્ટના રોજ તિબેટમાં અચાનક આવેલા પૂરથી નેપાળમાં તારાજી થઈ છે. આ પૂરમાં 25 ગુજરાતીઓ પણ મિસિંગ છે, મૂળ અમદાવાદ અને હાલ ન્યૂઝીલેન્ડના નાગરિક મિહિર પટેલ અને કિન્નરી પટેલ કૈલાશ માનસરોવરની યાત્રાએ આવ્યા હતા અને નેપાળમાં ફસાયા હોવાની શહેરના મણિનગરમાં રહેતા મિહિર પટેલના મોટા ભાઈ ઉત્પલ પટેલના આશંકા વ્યક્ત કરી છે. છેલ્લા ચાર દિવસથી પરિવારજનો બંનેનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી બંનેની કોઈ જાણકારી મળી નથી.

21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળ્યા: ઉત્પલ પટેલ ઉત્પલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈ મિહિર અને તેમની પત્ની કિન્નરી છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. બંને 21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. સિંગાપુર પહોંચ્યા ત્યારે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ 21 ઓગસ્ટની રાત્રિએ જ કાઠમંડુ પહોંચ્યા હતા. 22, 23 અને 24 તેઓ ત્યાં જ રોકાયા હતા.

25 ઓગસ્ટે મિહિર અને કિન્નરી સાથે 70 લોકોનું ગ્રુપ તિમુરે બોર્ડર જવા નીકળ્યું હતું. 26 ઓગસ્ટે વહેલી સવારે 4:51 વાગ્યે મિહિર સાથે વોટ્સએપ મેસેજથી સંપર્ક થયો હતો અને તેઓ ઇમિગ્રેશન માટે બોર્ડર તરફ જઈ રહ્યા હતા. ત્યારબાદથી તેમની સાથે કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નથી. નેપાળમાં આ ઘટના બની ત્યારે તેમનું 70 લોકોનું ગ્રુપ એક સાથે હતું અને તેઓ ચાઈનીઝ ઇમિગ્રેશનની બિલ્ડિંગમાં હતા.

બંનેનો ફોન કે અન્ય કોઈ માધ્યમથી સંપર્ક થયો નથી આ ઘટનાની જાણ મને 26 ઓગસ્ટે બપોરના સમયે મીડિયા મારફતે થઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ મિહિર અને કિન્નરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેનો ફોન કે અન્ય કોઈ માધ્યમથી સંપર્ક થઈ શક્યો નથી. ઇન્સ્ટાગ્રામ પરથી તેમની ટ્રાવેલ્સની ઓફિસનો કોન્ટેક્ટ થયો હતો અને જેટલા ટ્રાવેલ્સ હતા તેમનું ગ્રુપ બનાવી સમયાંતરે અપડેટ આપવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 4 દિવસથી હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *