ભારતીય બુલિયન બજાર અને સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે. સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટીને 15% થી ઘટાડીને 6% કરવા પર વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લાગુ થાય છે, તો દેશમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
મે 2026 માં સરકારે વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સોના પરની આયાત શુલ્ક વધારીને 15% કરી દીધી હતી. વિશ્લેષકો અનુસાર, આ ડ્યુટીમાં ઘટાડાની સીધી અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ અને આગામી તહેવારો-લગ્નની સિઝનમાં જ્વેલરીની માગ પર પડશે.
જો ડ્યુટી 15% થી 6% થાય તો ભાવ કેટલાં ઘટશે?
ભારત તેની સોનાની જરૂરિયાતો પૂરી કરવા માટે વાર્ષિક 700 થી 800 ટન સોનું વિદેશોમાંથી આયાત કરે છે. જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી 15% હોય છે, ત્યારે તે સ્થાનિક બજારમાં સોના માટે લઘુત્તમ ભાવ નક્કી કરે છે. જો ડ્યુટી 9% ઘટીને 6% પર આવે છે, તો આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતીય બજાર વચ્ચેનો તફાવત ઘણો ઓછો થઈ જશે. તેનાથી સ્થાનિક બુલિયન બજારોમાં સોનાના લેન્ડેડ કોસ્ટમાં સીધો ઘટાડો થશે, જેનો ફાયદો સીધો રિટેલ ખરીદદારોને મળશે.
ધારો કે દિલ્હીમાં 24 કેરેટ સોનાનાં ભાવ ₹1,63,890 પ્રતિ 10 ગ્રામ પર જો ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટીને 6% એટલે કે 9% નો સીધો ઘટાડો થાય છે, તો તેના ભાવમાં સીધો ₹14,750 નો મોટો ઘટાડો આવશે અને તે ઘટીને લગભગ ₹1,49,140 પ્રતિ 10 ગ્રામ પર આવી જશે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,50,240 પ્રતિ 10 ગ્રામ થી ₹13,522 સસ્તો થઈને લગભગ ₹1,36,718 પ્રતિ 10 ગ્રામ થઈ જશે.