નેપાળમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ 12 ગુજરાતી નાગરિકોની માહિતી સામે આવી હતી, ત્યારબાદ આ આંકડો 18 થયો હતો અને હવે 28 ઓગસ્ટના રાત્રિના 10:20 વાગ્યા સુધીમાં કુલ 25 ગુજરાતીઓનો સંપર્ક થઈ શક્યો નથી. રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તૈયાર કરાયેલી માહિતીમાં આ વિગતો સામે આવી છે. તો સુરતમાં સી.આર. પાટીલે કહ્યું કે 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા છે. ભારત સરકારે 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી સતત સંપર્કમાં છે.
સુરતના પરેશભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રમાણી સહિત કેટલાક લોકો 23 ઓગસ્ટે નેપાળ પ્રવાસે નીકળ્યા હતા. તેમની છેલ્લી માહિતી મુજબ તેઓ નેપાળ-તિબેટ બોર્ડર તરફ હતા અને ત્યારથી સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ સ્થિત ખંઢેરી હનુમાન મંદિરના પૂજારી ચૌહાણ કામતાપ્રસાદ (ગોમતીબાપુ)નો છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો નથી. તેઓ અયોધ્યાથી નેપાળ જવા નીકળ્યા બાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પૂજારી ગોમતીબાપુ જાફરાબાદથી અમદાવાદ ટ્રેન દ્વારા અયોધ્યા ગયા હતા. ત્યાંથી સુલતાનપુર આશ્રમના સંતો-મહંતોના સંઘ સાથે નેપાળ દર્શન માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.