તહેવાર ટાણે જ ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. 15 દિવસ પહેલાં 35થી 40 રૂપિયામાં મળતી ડુંગળી આજે 60થી 70 રૂપિયે કિલો પહોંચી છે. હજુ પણ 15થી 20 રૂપિયા ભાવ વધવાની શક્યતા છે.
વેપારીઓના જણાવ્યાં મુજબ, વરસાદના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળી પલળી ગઈ હોવાથી ગુજરાતમાં ઓછો માલ પહોંચી રહ્યો છે. માલની અછતના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના હોલસેલ ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો વધારો થતા વેપારીઓ 40થી 50 રૂપિયા કિલો ડુંગળી વહેંચી રહ્યા છે.
અમદાવાદના APMCના ડુંગળીના વેપારી અમરજીતે જણાવ્યું કે, માર્ચ અને એપ્રિલમાં માલ બહાર નીકળવાનો સમય હોય છે, પરંતુ આ સમયમાં જ કમોસમી વરસાદ પડતા ડુંગળીના જથ્થાને ખુબ અસર થઈ છે. 25 ટકા જેટલો સ્ટોક ખેડૂતોએ ક્વોલિટીના કારણે ખેતરમાં જ રહેવા દીધો છે. બીજા 25 ટકા માલ તેમને તાત્કાલિક જ કાઢવો પડ્યો હતો. અન્ય 50 ટકા માલ જે જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યાંથી સપ્લાય થઈ રહ્યો છે. 3 મહિના પછી નવો પાક આવશે તે ગુજરાત સુધી પહોંચશે. આગામી ત્રણ મહિના સુધી આ અછત જોવા મળવાની છે. અમે આશા રાખી રહ્યા છીએ કે, પાક સારો થાય અને ભાવ ઘટે.