રાજકોટ શહેરમાં આપઘાતની વધુ 3 ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં મવડી પાળ રોડ પર યુવકે બીમારીથી કંટાળી ઝેરી દવા પીધી હોવાનું જયારે બીજા બનાવમાં બીમારીથી કંટાળી વૃધ્ધે 12મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું અને ત્રીજા બનાવમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બે યુવાન અને એક વૃધ્ધના આપઘાત મામલે પોલીસે મૃતદેહને પોસમોર્ટમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
‘ધ સ્પેસ’ બિલ્ડિંગના 12મા માળેથી ઝંપલાવી વૃદ્ધનો આપઘાત રાજકોટના માધાપર ચોક નજીક ધ સ્પેસ બિલ્ડિંગના ફ્લેટ નંબર ઈ-1204માં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા કિશોરભાઈ દેવચંદભાઈ મશરુ (ઉં.વ 66) ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તેમણે પોતાના ફ્લેટની બારીમાંથી નીચે ઝાંપલાવ્યું હતું. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિશોરભાઈ મશરૂ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
શહેરના મવડી પાળ રોડ પર લાલુભાઈ પારેખ ટાઉનશીપ 103માં રહેતાં ધર્મેશભાઇ કિર્તીકુમાર વોરા (ઉ.વ.35) નામના યુવાને સવારે 4 વાગ્યા આસપાસ ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં ધર્મેશભાઈ બે ભાઇમાં નાના હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે. પોતે અગાઉ RMCમાં વેરા વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતાં હતાં હાલ કંઈ કામ કરતા ન હતા. છેલ્લા ઘણા સમયથી ડાયાબીટીશની બિમારી લાગુ પડી હતી. જેની સારવાર કરાવવા છતા ફરક ન પડતાં કંટાળીને પગલુ ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માતા-પિતાના એકના એક પુત્રએ ગળેફાંસો ખાંધો શહેરના વાવડી વિસ્તારમાં આવેલા પરીન ફર્નિચરની પાછળ રાણી નગર સોસાયટીમાં રહેતા ઋત્વિક શૈલેષભાઈ ભાલુ (ઉં.વ.23) ગઈકાલે બપોરના સમયે દુકાનેથી ઘરે જમવા માટે આવ્યો હતો. ત્યારે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાથી પોતાના રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. થોડા સમય બાદ જ્યારે તેની માતા પોતાના કામ પરથી ઘરે પરત ફરી ત્યારે નીચેના ભાગે દીકરો ન દેખાતા તેઓ તેને શોધવા ઉપરના રૂમમાં ગયા હતા. દીકરાને પંખા સાથે લટકતી હાલતમાં જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઋત્વિક તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને એક ભાઈ તથા એક બહેનના નાનો હતો. યુવકના આપઘાત અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.