માલવિયા ચોકમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું

રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ધમધમતા ગેરકાયદે દેહવ્યાપારના નેટવર્ક સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વ્યસ્ત ગણાતા માલવિયા ચોક સ્થિત પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલા ‘હાઈ ડ્રિમ વેલનેસ સ્પા’માં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. બોડી મસાજના બહાને ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે એક મહિલા રિસેપ્શનિસ્ટ-ટેલિકોલરની ધરપકડ કરી છે, જ્યારે સ્થળ પરથી અન્ય રાજ્યોની 8 યુવતીઓને મુક્ત કરાવી છે. આ રેડ દરમિયાન સ્પાના 2 મુખ્ય સંચાલકો ફરાર થઈ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

માલવિયા ચોક પાસે પ્રમુખ આર્કેડના 2જા માળે આવેલા ‘હાઈ ડ્રિમ વેલનેસ સ્પા’માં બહારના રાજ્યોમાંથી યુવતીઓને બોલાવી મસાજના નામે ગ્રાહકો પાસેથી અનૈતિક દેહવ્યાપાર કરાવાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે AHTU ટીમના પીઆઈ બી.બી. જાડેજાની ટીમે એક ડમી ગ્રાહક તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતાં જ પોલીસે ત્રાટકીને સ્પા માલિક પ્રદિપ ચાવડા, મુકેશ વાઘેલા અને રિસેપ્શનિસ્ટ મહિલા સામે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી.

ગ્રાહક પાસેથી ₹3000 વસૂલાતા, 14600 નો મુદ્દામાલ જપ્ત પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સ્પા સંચાલકો ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી પેટે 1000 રૂપિયા વસૂલતા હતા.ત્યારબાદ શારીરિક સંબંધ એટલે કે એક્સ્ટ્રા સર્વિસ માટે ગ્રાહક દીઠ 3000 રૂપિયા લેવામાં આવતા હતા, જેમાંથી સ્પા સંચાલક 1000 રૂપિયા કમિશન રાખી બાકીના 2000 રૂપિયા યુવતીઓને આપતા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ અને 2 મોબાઈલ સહિત કુલ 14,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી 8 યુવતીઓને મુક્ત કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *