બાઈક સ્લીપ થતાં 3 બહેનોના એકમાત્ર ભાઈનું મોત

રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માત અને વાહન ચોરી સંબંધિત મહત્વની ઘટનાઓ સામે આવી છે. મોરબી રોડ પર બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા કડિયાકામ કરતા પ્રૌઢનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જેથી રક્ષાબંધન પૂર્વે જ 3 બહેનોએ એકમાત્ર ભાઈની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી ઝોન-2 ટીમે અંજારમાંથી બાઈક ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે, જ્યારે ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર ડિટેઈન કરેલા 3 વાહનો ભૂતકાળમાં વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા હોવાનો ખુલાસો થયો છે.

વેલનાથપરા પુલ પર બાઈક સ્લીપ થતાં પ્રૌઢનું મોત, પરિવારમાં માતમ મોરબી રોડ પર આવેલ ફાટક પાસે રાધિકા પાર્કમાં રહેતા અને કડિયાકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિપેશભાઈ મનહરભાઈ અજાગીયા પોતાનું બાઈક લઈને કોઠારીયા રોડ પર રહેતા મિત્રને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મોરબી રોડ પર વેલનાથપરાના પુલ પરથી પસાર થતી વખતે અચાનક બાઈક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા.

માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બી-ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક 3 બહેનોના એકમાત્ર ભાઈ હોવાથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *