અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી સોનાની ગેરકાયદે દાણચોરી કરવાના નીતનવા પેંતરાનો કસ્ટમ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. શારજાહથી ફ્લાઇટ મારફતે અમદાવાદ આવી પહોંચેલી ભાવનગરની 31 વર્ષીય મહિલા ડોક્ટર પાસેથી કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) હાઈ-નેક સ્વેટરની અંદર છુપાવેલી 83.14 લાખ રૂપિયાથી વધુની કિંમતની 24 કેરેટ સોનાની ચેઈન ઝડપી પાડી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને આ દાણચોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
શંકાસ્પદ હિલચાલના આધારે AIU ટીમે મહિલાને અટકાવી એરપોર્ટ પર દાણચોરી અટકાવવા માટે ચાલી રહેલા સઘન ચેકિંગ અને પેસેન્જર પ્રોફાઇલિંગ દરમિયાન શારજાહથી ‘એર અરેબિયા’ની ફ્લાઇટ નંબર G9-418 દ્વારા અમદાવાદ આવેલા મુસાફરો પર કસ્ટમ્સની AIU ટીમ વોચ રાખી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતાં એક મહિલા પેસેન્જરને અટકાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની ઝીણવટભરી શારીરિક તપાસ કરતાં તેણે પહેરેલા હાઈ-નેક સ્વેટરના અંદરના ભાગમાં ચાલાકીપૂર્વક છુપાવી રાખેલી સોનાની ભારે ચેઈન મળી આવી હતી.
499.540 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કસ્ટમ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં સોનાની ચેઈનનું કુલ વજન 499.540 ગ્રામ હોવાનું અને તે 24 કેરેટ શુદ્ધતા ધરાવતી હોવાનું સામે આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની વર્તમાન બજાર કિંમત આશરે 83,14,843 રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓએ આ તમામ સોનાના દાગીનાને ‘કસ્ટમ્સ એક્ટ, 1962’ ની સંબંધિત કલમો હેઠળ વિધિવત જપ્ત કરી લીધા હતા.