ભાવનગરના ઘોઘા તાલુકાનું ખરકડી ગામ. 1500ની વસતી ધરાવતું ગામ હાલ અહીં સર્જાયેલા લઠ્ઠાકાંડના કારણે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.ગામના યુવાન ઉપેન્દ્રસિંહ ગોહિલને પોલીસમાં નોકરી મળતા મિત્રો સાથે ગામમાં દારૂની પાર્ટી ગોઠવી. 16મીની રાત્રે પાર્ટી કરતા પાંચેય મિત્રોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા. જ્યાં ઉપેન્દ્રસિંહનું મોત નિપજ્યું જ્યારે બાકીના ચાર હાલ સારવાર હેઠળ છે.
ગામની મુલાકાત લઈ ગામલોકો અને સરપંચ સાથે વાત કરી. જે સ્થળ પર યુવાનોએ પાર્ટી કરી ત્યાં પણ પહોંચ્યું. લઠ્ઠાકાંડના કારણે બે શંકાસ્પદ સહિત કુલ 7 લોકોના મોત નિપજી ચૂક્યા છે. દાખલ રહેલા 18 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોય મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
ભાવનગરથી 22 કિમી દૂર આવેલા ખરકડી ગામે અમે પહોંચ્યા. સૌ પ્રથમ ગ્રામ પંચાયત કચેરી પર ગામના સરપંચ વિપુલભાઈ વાઘેલા સાથે મુલાકાત થઈ. લઠ્ઠાકાંડના કારણે ગામના એક યુવાનનું મોત અને ચાર સારવાર હેઠળ હોય સન્નાટો જોવા મળ્યો. લોકોમાં એક જ ચર્ચા જોવા મળી કે સરકાર આ દારૂ બંધ કરાવે.
સરપંચ વિપુલ વાઘેલાએ કહ્યું- દારૂ પીવાના કારણે અમારા ગામમાં આ ઘટના બની. દારૂમાં કયું કેમિકલ છે અને દારૂ ક્યાંથી આવ્યો તેની ખબર નથી. ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું છે અન્ય યુવાનો સારવાર હેઠળ છે. પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરી બંધ કરાવે.