ખંભાત તાલુકો બન્યો ઘાતક, હવે 7 પશુઓના મોત, 15 ગંભીર

આણંદ જિલ્લામાં પ્રદૂષણે માઝા મૂકી છે. ખંભાતના વૈણજ-આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી અને ઝેરી અસરના કારણે અચાનક 7 પશુઓનાં મોત નીપજતાં પશુપાલકોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં પણ આ જ વિસ્તારમાં 13 પશુઓનાં મોત થયાં હતાં, ત્યારે એક વર્ષ બાદ પુનઃ આ ઘટનાનું પુનરાવર્તન થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

અગાઉ વટાદરા અને વત્રા સીમ વિસ્તારમાં 200 જેટલા બબ્લર પક્ષીઓના પણ રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે.

ખંભાત ગ્રામ્ય હદ વિસ્તારના વૈણજ-આખોલના ભાઠા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ 5 ભેંસો, પિન્ટુભાઈ કમાભાઈ ભરવાડના વાડામાં 1 ભેંસ અને વલ્લુભાઈ હરિભાઈ ભરવાડના વાડામાં 1 ભેંસ સહિત કુલ 7 પશુઓનાં કેમિકલની અસરથી મોત થયાં છે.હાલ 15 જેટલા અન્ય પશુઓ ગંભીર બીમારીની અવસ્થામાં છે.

લક્ષણો: કેમિકલયુક્ત પાણી કે ખોરાકની અસરથી પશુઓના પેટમાં ઝેર ફેલાય છે, જેના કારણે પશુઓની ચામડી ઉખડી જવાની શરૂઆત થાય છે અને અંતે પશુ મોતને ભેટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *