રમત મંત્રાલયે મંગળવારે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025ની જાહેરાત કરી છે. 12 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે કોઈ ખેલાડીને ખેલ રત્ન આપવામાં આવ્યો ન હોય. આ પહેલા 2014માં આવું બન્યું હતું.
આ વર્ષે 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, વિદિત ગુજરાતી, એથ્લીટ તેજસ્વિન શંકર અને બેડમિન્ટન ખેલાડી ગાયત્રી ગોપીચંદ અને તૃષા જોલી જેવા નામોનો સમાવેશ થાય છે.
ફૂટબોલના દિગ્ગજ 84 વર્ષીય આઈ. અરુમાયનાયગમને અર્જુન એવોર્ડની લાઇફટાઇમ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે. તેઓ 1962ના જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા.
તેજસ્વિન શંકરના પિતા ઈચ્છતા હતા કે તે અભ્યાસ પર ધ્યાન આપે અને જો રમવું જ હોય તો ક્રિકેટ રમે. સ્કૂલ કોચે તેની એથ્લેટિક ક્ષમતા ઓળખી. ધીમે ધીમે તેજસ્વિને હાઈ જમ્પ અપનાવી લીધો. 17 વર્ષની ઉંમરે તેણે 2.26 મીટરનો કૂદકો લગાવીને સિનિયર નેશનલ રેકોર્ડ તોડી નાખ્યો.