ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સગવડ અને વધુ સારી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રાલય દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સંચાલન, સમય અને રૂટમાં આંશિક સુધારા કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન નંબર 22926/22925 ઓખા–અમદાવાદ–ઓખા વંદે ભારત ટ્રેન હવે 17 ઓગષ્ટથી અમદાવાદ સ્ટેશનને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી સંચાલિત કરાશે અને સાબરમતીથી સવારે 6:15 વાગ્યે ઉપડશે. ઉપરાંત મુસાફરોની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર આ ટ્રેનને નવું સત્તાવાર સ્ટોપેજ જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ આસપાસના વિસ્તારના હજારો મુસાફરોને મોટો ફાયદો થશે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું કે, મુસાફરોને આધુનિક, ઝડપી અને વધુ સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળે તે માટે રેલવે તંત્ર સતત પ્રયત્નશીલ છે. સાબરમતી સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવાથી અમદાવાદ મુખ્ય સ્ટેશન પરનું ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરો માટે અવરજવર વધુ સરળ બનશે. રેલ મંત્રાલય દ્વારા 17 ઓગષ્ટથી અમલી બનતું નવું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ ફેરફારથી અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો અને આંબલી રોડ આસપાસના મુસાફરોને સાબરમતી સ્ટેશન સુધી જવાની જરૂર નહીં રહે અને તેઓ ઘરની નજીકથી જ આ પ્રીમિયમ ટ્રેનનો લાભ લઈ શકશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા તમામ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે આ નવા સમયપત્રક અને સ્ટેશનના ફેરફારની ખાસ નોંધ લે. ટ્રેનના સમય, સ્ટોપેજ, ભાડું સહિતની સચોટ માહિતી મેળવવા મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા અથવા સંબંધિત સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પર સંપર્ક કરવા રેલવે તંત્રએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *