જેતપુરમાં બ્રેઝા કારમાંથી દેશી દારૂ ઝડપાયો

જેતપુરમાં બ્રેઝા કારમાંથી 640 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂ. 9.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેન્જ આઈજી શ્રી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ આગામી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રોહીબીશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ સફળતા મેળવી છે.ઉદ્યોગનગર પોલીસના પીઆઈ એસ.એચ.શર્મા તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. કે.બી.ગઢવી અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પો.હેડ.કોન્સ. રાજુભાઈ સાંબળા તથા નિલેશભાઈ મકવાણાને મળેલી સચોટ બાતમીના આધારે નેશનલ હાઈવે પર, નવાગઢ બ્રિજ ઉતરીને રામદેવપીરના મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન પોરબંદર તરફથી રાજકોટ તરફ જતી સફેદ કલરની મારૂતિ બ્રેઝા કાર નંબર GJ 03 PD 8275 ને અટકાવી તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 640 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 1,28,000/-), ગુનામાં વપરાયેલી મારૂતિ બ્રેઝા કાર (કિંમત રૂ. 8,00,000/-) અને 2 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000/-) મળીને કુલ રૂ. 9,38,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ કેસમાં પોલીસે રાયમલભાઈ રાણાભાઈ માલાણી (રહે. શાપર વેરાવળ, જી. રાજકોટ) અને સંજયભાઈ લક્ષ્મણભાઈ વૈશ (રહે. તા. રાણાવાવ, જી. પોરબંદર) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક સહ-આરોપી અલ્પેશભાઈ ટપુભાઈ વૈશ (રહે. કેડો, બિલેશ્વર ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદર) ને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા મુખ્ય આરોપી રાયમલભાઈ માલાણી સામે અગાઉ રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન અને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *