રાજકોટના લોઠડા ગામે રહેતો રાકેશ ઉર્ફે રાહુલ વિઠલભાઈ સરીયા (ઉ.વ.21) રાત્રે 9 વાગ્યે બાઈક લઈને જઈ રહયો હતો ત્યારે કાળીપાટ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવક બાઈક સમેત પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમાં અકસ્માત સર્જાતા 108 મારફતે યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ આજીડેમ પોલીસને થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને બફના કારખાનામાં કામ કરતો હતો. પિતા હયાત નથી. પોલીસે અકસ્માત સર્જી નાશી જનાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
તસ્કરો ટીસીમાંથી કોપર વાયર ચોરી જતા વીજપુરવઠો ખોરવાયો
PGVCLની કુવાડવા પેટા વિભાગીય કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા ચિરાગસિંહ નરશીભાઈ કાપડીયા (ઉ.વ.41)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.12 ઓગસ્ટના રોજ સાંજના 6 વાગ્યે બિલેશ્વર જંકશનની પાસે આવતા ગામડાઓમાંથી વીજ પાવર આવતો ન હોવાની ફરિયાદ મળી હતી જેથી લાઇનમેન સ્થળ પર પ્રોબ્લેમ રિસોલ્વ કરવા માટે મોકલતા રાત્રીના ફોન કરી જણાવ્યું હતું કે, બિલેશ્વર જંકશન પાસે હડમતીયા રાજગઢ રોડ, હડમતીયા ગામ પાસેથી કોપરનો વાયર અને કોરની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી ત્રણેય પોલ પરના 75000 કિંમતના ટી.સી.ના આંતરિક મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે જેના આધારે કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
કોઠારીયાના હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ‘મહાદેવ સ્ટેમ્પીંગ’ના નામે ઇલેક્ટ્રિક મોટર સ્પેરનું ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ કરતા ફરિયાદી વિજયભાઈ આંબાભાઈ સોજીત્રા પાસેથી આરોપી મિત પ્રવીણભાઈ પોકર તથા મોસમીબેન મિતભાઈ પોકરે ‘પરમેશ્ર્વર એલ્યુકેબ’ના નામે એલ્યુમિનિયમ ઇન્ગોટનો માલ ખરીદ્યો હતો. માલની ખરીદી સામે બાકી રહેતી રૂ.6,30,959ની રકમ ચૂકવવા આરોપીઓએ પેઢીના ખાતાનો ચેક આપ્યો હતો. જો કે ચેક ‘ફંડ્સ ઇન્સફિશિયન્ટ’ના શેરા સાથે પરત ફરતા ફરિયાદીએ વકીલ મારફત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ રાજકોટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન આરોપીઓ વારંવાર મુદતે હાજર ન થતાં કોર્ટે બંને સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા આરોપી પતિ-પત્નીએ ચેક મુજબની સંપૂર્ણ રકમ ફરિયાદીને ચૂકવી આપી હતી અને બંને પક્ષે સમાધાન થયું હતું.