આરોપીઓની ડિગ્રી પર લાલ લીટી લાગે, ડૉ.હર્ષના મોતથી બહેન ભાવુક

અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની અને સુરત સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે PGનો અભ્યાસ કરતા ડૉ.હર્ષ પંડ્યાએ રેગિંગના કારણે આત્મહત્યા કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ડૉ.હર્ષના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન તેમના પિતા અને બહેને દિવ્ય ભાસ્કરને હૃદયદ્રાવક વિગતો જણાવી હતી.

રક્ષાબંધન માટે ઘરે આવવાનો હતો : હર્ષની બહેન ડૉ.હર્ષની બહેન ભૂમિકા પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમની હર્ષ સાથે સામાન્ય રીતે દરરોજ વાતચીત થતી હતી. છેલ્લે વાત થઈ ત્યારે રક્ષાબંધન નજીક હોવાથી તેમણે હર્ષને ઘરે આવવાનો છે કે નહીં તે પૂછ્યું હતું. હર્ષે કહ્યું હતું કે, એક-બે દિવસની રજા ગોઠવીને ઘરે આવીશ. બંને વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી, પરંતુ પરિસ્થિતિ આટલી ગંભીર બની ગઈ હોવાનું પરિવારને ત્યારે ખબર નહોતી.

બહેને જણાવ્યું હતું કે, હર્ષના સપના ખૂબ ઊંચા હતા. તેમના પિતા સર્જન ડોક્ટર હતા અને હર્ષે પણ નક્કી કર્યું હતું કે તે પિતાની જેમ અભ્યાસ કરીને સર્જન બનશે. ભાઈ-બહેન વચ્ચે ખૂબ જ સારો સંબંધ હતો. બાળપણની યાદોને વાગોળતાં તેમણે જણાવ્યું કે, બંનેને હીંચકા ખાવાનો ખૂબ શોખ હતો અને તેમના પિતાએ પણ ઘરના દરેક રૂમમાં હીંચકા રાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *