શહેરના રૈયા હિલ વિસ્તારમાં ગોવર્ધન હાઇટ્સમાં રહેતા 44 વર્ષિય ચેતનભાઈ રાવરાણી નામના આધેડે માધાપર ચોકથી બેડી ચોક વચ્ચેના વિસ્તારમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક ત્રણ બહેનના એકના એક નાના ભાઈ હતા અને ઓનલાઈન ફૂડ ડિલિવરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છે.
માધાપર ચોક પાસે ઝેરી દવા પીધેલા હાલતમાં મળ્યા ચેતનભાઇ રાવરાણી (ઉ.વ.44) 10 ઑગસ્ટે બપોરના સમયે પોતાના ઘરેથી ‘એક કામ માટે બહાર જાઉં છું, હમણા પાછો આવું છું’ કહીને નીકળ્યા હતા. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું ટુ-વ્હીલર રૈયા ચોકડી પાસેથી મળી આવ્યું હતું. દરમિયાન, માધાપર ચોકથી આગળ હાઇવે પર લોકોનું ટોળું જોઈ અને 108 એમ્બ્યુલન્સ આવતા જોઈ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા ચેતનભાઇ રાવરાણી બેભાન હાલતમાં ઝેરી પ્રવાહી પીધેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. જ્યાં ઘટનાસ્થળે જ 108ના EMTએ તપાસ કરીને મૃત જાહેર કર્યા હતા.
બે દીકરાએ પિતાની છત્રછાયા ગૂમાવી ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પત્નીનું નામ ભાવીશાબેન હોવાનું અને તેમને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એક ધોરણ 10માં અને બીજો કોલેજમાં અભ્યાસ કરે છે. ચેતનભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.