રાજકોટમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની વધુ એક ઘટના સામે આવી છે. ત્રંબામાં આવેલી ડ્રીમલેન્ડ સ્કૂલમાં તોફાન કરતા ધોરણ 10 ના 2 વિદ્યાર્થીને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ગાલ, માથા અને વાંસાના ભાગે લાફા મારી દીધા છે. જે બાદ એક વિદ્યાર્થીને ગાલ પર તેના નિશાન પણ થઈ ગયા છે. આ મામલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાને ફરિયાદ મળતા તેમણે આ ઘટનામાં મેનેજિંગ ડિરેક્ટર એવા પ્રિન્સિપાલ વિરુદ્ધ ફોજદારી ગૂનો દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ત્રંબા નજીક આવેલી ડ્રીમલેન્ડ સ્કૂલ છે. જેમાં મને વાલીની એવી ફરિયાદ મળી છે કે મારું બાળક શનિવારે કોઈ બે વિદ્યાર્થીઓ તોફાન કરતા હતા અને તોફાનના બહાને આજે સ્કૂલે ભણવા ગયો ત્યારે જે એના ક્લાસ ટીચર છે એ પ્રિન્સિપાલ સાહેબ પાસે લઈ ગયા અને પ્રિન્સિપાલ સાહેબે આ વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. મોઢાના ભાગમાં ગાલમાં, હાથના ભાગમાં અને પાછળ વાંસાના ભાગની અંદર એમને માર માર્યો છે.
વિદ્યાર્થીઓ ઉપર આવી રીતના હિંસક અત્યાચાર એ કદાપિ ચલાવી ન લેવાય. મેં વાલીને આશ્વાસન આપ્યું છે તમે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા ઈચ્છતા હોવ તો વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે હું તમારી પડખે ઊભો રહીશ. વિદ્યાર્થીને ન્યાય અપાવવો એ અમારી ફરજ છે. જેથી તાત્કાલિકપણે આ પ્રિન્સિપાલની વિરુદ્ધમાં શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે અને પોલીસ ડિપાર્ટમેન્ટના કાયદા અનુસાર એની પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. વિદ્યાર્થીના વાલી ઈચ્છતા હશે તો અમે કાયદાકીય રીતના અને લીગલી રીતના જે પણ મદદની જરૂર પડશે, અમે એની પડખે ઊભા રહીશું.