રાજકોટ દક્ષિણમાં પી.ડી.માલવીયા કોલેજ સામેના ફાટક હેઠળ ‘ઝેડ’ આકારના અંડરબ્રીજનો પ્લાન બની રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં ઢેબર રોડના છેડે રાજકમલ પેટ્રોલ પંપ નજીકના ફાટકે પણ ‘એચ’ આકારનો અંડરબ્રીજ બનાવવા તંત્રએ વિચારણા શરૂ કરી છે. બીજીતરફ વોર્ડ નં.18ના કોઠારીયા મેઇન રોડ ઉપર રણુજા મંદિર નજીક ઓવરબ્રીજ બનાવવાનું ટેન્ડર મહાપાલિકાએ પ્રસિધ્ધ કર્યું છે. જોકે અગાઉ પણ ટેન્ડર જાહેર કરાયા બાદ બીજો પ્રયત્ન કરવો પડયો છે. જેના માટે 17 કરોડ જેટલા ખર્ચનો અંદાજ રહેલો છે. અહીંનો પુલ માત્ર 8 મીટરનો હોય હવે અહીં 22 મીટરનો બ્રીજ બનાવવામાં આવનાર છે. આ બ્રીજ બનતા હજારોની સંખ્યામાં વાહન ચાલકોને તેનો લાભ મળશે
કોઠારીયા વિસ્તાર છેલ્લા વર્ષોમાં ખુબ વિકસ્યો છે. રહેણાંકથી માંડી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ચાલુ છે. વોર્ડ નં. 18માં કોઠારીયા મેઈન રોડ પર રણુંજા મંદિર પાસે નાનો પુલ છે. કોઠારીયા મેઈન રોડના અમુક ભાગમા ટી.પી., ડી.પી રોડ મુજબ 24.00 મીટર થી લઈને 45.00 મીટર સુધીની પહોળાઈ થઇ રહી છે. જેથી રણુજા મંદિર પાસે જુના બ્રીજને કારણે બોટલનેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેને લઈ, બજેટમાં આ સમસ્યાના નિરાકરણ અર્થે બ્રીજ અંગેની જોગવાઈ કરવામાં આવી હતી. આ બ્રીજ ત્રણ ગણો પહોળો એટલે કે લગભગ નવો બનાવવાનો અભિપ્રાય આવ્યો હતો.
આ હયાત બ્રીજની ઉત્તર તરફ ટી.પી.સ્કીમ છે તથા બ્રીજની દક્ષિણ તરફ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ મંજુર નથી. આ રસ્તો 24.00 મીટર રોડનો છે. હાલ બ્રીજની પશ્ચિમ દિશામાં બે બાજુથી વરસાદી પાણીની આવક છે તથા બ્રીજની પૂર્વ દિશા ડાઉન સ્ટ્રીમ હોય, પાણી સાથે મળીને પૂર્વ દિશા તરફમાં આગળ વધે છે. અહીં વોટર બોડી હોય તથા નજીકમાં કોઈ સુ-વ્યવસ્થિત ડાયવર્ઝન આપી શકાય તેમ નથી આથી ટ્રાફિક મુવમેન્ટને યથાવત રાખવા હયાત બ્રીજની પશ્ચિમ દિશામાં ડાયવર્ઝન નિર્માણ તથા ક્રમશ પૂર્વ તરફના જુના ભાગને દુર કરી નવા બ્રીજના નિર્માણ દ્વારા 8 મીટર મિકસ લેન કેરેજ-વે, ફૂટપાથ સહિતની ડિઝાઇન સ્ટે કમીટીમાં મંજુર કરવામાં આવી હતી.