રાજકોટ શહેર નજીક આવેલા કણકોટ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૌટુંબિક કલેશ અને દારૂની લતે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. અહીં સરદારધામની બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતા 45 વર્ષીય ભરતસિંગ ડામોર નામના શખ્સની તેના જ સગીર પુત્રએ ગળેટૂંપો આપી હત્યા નિપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પિતાના રોજબરોજના ત્રાસ અને માતા પર થતા અત્યાચારથી કંટાળીને દીકરાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસમાંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, મૃતક ભરતસિંગ ડામોર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. તે અવારનવાર દારૂના નશામાં ચૂર થઈને ઘરે આવતો અને પત્ની (સગીરની માતા) સાથે ઝઘડો કરી અમાનુષી માર મારતો હતો. આ ઉપરાંત તે વારંવાર પૈસા માટે પણ ઘરમાં ધમાલ મચાવતો હતો. રોજ-રોજના આ ગૃહક્લેશ અને માતાની દયનીય સ્થિતિ જોઈને સગીર પુત્ર અંદરથી ભારે આક્રોશમાં હતો.