શહેરના કોઠારીયા રોડ પર આવેલી એક રહેણાંક સોસાયટીમાં મોડી રાત્રે ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ ભબકી ઊઠતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગના કારણે નીકળેલા ઝેરી ધુમાડાના ગોટેગોટા ઘરમાં ફેલાઈ જતાં એક જ પરિવારના 6 સભ્યો મકાનમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ તમામ સભ્યોને સુરક્ષિત બહાર કાઢીને મોટી જાનહાનિ ટાળી હતી.
મોડી રાત્રે સુભાષ નગરમાં આગનો બનાવ પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કોઠારીયા રોડ પર નંદા હોલની પાછળ આવેલા સુભાષ નગર શેરી નંબર 5માં ગઈકાલે તારીખ 4 ઓગસ્ટ 2026ની મોડી રાત્રે અંદાજે 11:50 વાગ્યાના સુમારે એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. મકાનમાં અચાનક આગ લાગતાં જ કુંટુંબના સભ્યોમાં ભય અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવતાં જ કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમ જરૂરી આધુનિક સાધનો સાથે સ્થળ પર દોડી ગઈ હતી.
ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મકાનની અંદર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગેલી માલૂમ પડી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, બાઇકની બેટરી અથવા વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ક્ષણભરમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ગોટેગોટા આખા ઘરમાં ફેલાઈ ગયા હતા. ધુમાડાના કારણે મકાનમાં હાજર લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને બહાર નીકળવાનો મુખ્ય રસ્તો પણ બંધ થઈ ગયો હતો.