સિટી બસચાલકે સિગ્નલ તોડતા નયનાબાએ ડ્રાઇવર-કંડક્ટરનો ઉધડો લીધો

રાજકોટ શહેરમાં બીઆરટીએસ અને સિટી બસના ચાલકોની બેદરકારી તથા ટ્રાફિક નિયમોના સરેઆમ ભંગના કિસ્સાઓ સતત વધતા જાય છે. શહેરના વ્યસ્ત માર્ગ પર સિટી બસના ચાલકે રેડ સિગ્નલ તોડતા કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ સ્થળ પર બસને અટકાવીને ડ્રાઇવર અને કંડક્ટરનો ઉધડો લીધો હતો.

આ સમયે ડ્રાઇવર અને કંડક્ટરે આપેલા જવાબથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કંડક્ટરે નયનાબા જાડેજા સામે દાવો કર્યો હતો કે, “અમને તો ઉપરથી જ સિગ્નલ ન રોકવાની પરમિશન આપેલી છે!” નયનાબાએ ડ્રાઇવરની વધુ પૂછપરછ કરતા સિટી બસના ડ્રાઇવર પાસે પોતાનું આઇડી કાર્ડ કે વાહન ચલાવવાનું લાઇસન્સ પણ નહીં હોવાનું સામે આવ્યું હતું.

કોંગ્રેસનાં નેતા નયનાબા જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, “શું ટ્રાફિકના તમામ નિયમો, હેલ્મેટ અને સિગ્નલ તોડવાના દંડ માત્ર સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવ્યા છે? સિટી બસના ચાલકોને આ રીતે લોકોના જીવ જોખમમાં મૂકીને સિગ્નલ તોડવાની પરમિશન કોણે આપી?” તેમજ સિટી બસ ચલાવતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને વિજીલન્સ વિભાગ દ્વારા આ પ્રકારની ગેરરીતિઓ સામે કડક ચેકિંગ કરવાની માગ કરી હતી. આ વીડિયો વાયરલ થતા નિયમોનું પાલન કરાવવા જવાબદાર એવા કોર્પોરેશન તંત્રના આ પ્રકારના સુપરવિઝન સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *