આણલસાગર તળાવમાં નર્મદા નીર હિલોળે ચડ્યા, સૌનીનું પાણી છોડાતા જળસંકટ ટળ્યું

જસદણ શહેરમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન ઐતિહાસિક આલણસાગર તળાવમાં તળિયા દેખાઈ જતાં શહેર પર જળસંકટ ઘેરાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, પાલિકા પ્રશાસનની ત્વરિત રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આલણસાગર તળાવમાં નર્મદાના પાણી છોડવામાં આવ્યા છે. જેથી આગામી દિવસોમાં જસદણના નાગરિકોને પીવાના પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

જસદણ પાલિકાના પ્રમુખ જીતેન્દ્ર છાયાણીએ જણાવ્યું હતું કે, જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતું આલણસાગર તળાવ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું હતું. તળાવમાં પાણીનો સંગ્રહ ખૂટી જતાં શહેરમાં પાણીની ભારે ખેંચ ઊભી થાય તેમ હતી. પ્રજાને પાણી માટે હેરાન ન થવું પડે તે માટે અમે તાત્કાલિક ધોરણે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.

જેના પગલે સરકારે સોનીનું પાણી પહોંચતું કરી દીધું હતું. રજૂઆતના પગલે તંત્ર દ્વારા સૌની યોજનાની પાઇપલાઇન મારફતે આલણસાગર તળાવમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. તળાવમાં નવી આવક શરૂ થઈ જતાં હવે જસદણના એક પણ નાગરિકે કે વિસ્તારને પાણીથી વંચિત રહેવું નહીં પડે અને શહેરમાં પાણીનો પુરવઠો સુચારુ રૂપે જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *