રાજકોટ શહેર એલસીબી ઝોન-1 ની ટીમે બાતમીના આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક શ્રી બાલાજી ટ્રાવેલ્સની બસ (MP 09 AF 3167) રોકીને તપાસ હાથ ધરી હતી. બસની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી 432 નંગ વિદેશી દારૂના ચપલા અને 12 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, બસ અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 15.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવર સહિત 5 આરોપીઓ લેંજુ ડામોર (ઉ.વ.26), સંજય નીનામા (ઉ.વ. 22), વિજય હટીલા (ઉ.વ.27), સંજય મેડા (ઉ.વ.28) અને વિજય બાવળીયા (ઉ.વ.25)ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ અગાઉ પણ આ જ રીતે દારૂની ખેપ મારી ચૂક્યા છે.
પ્રેમીએ લગ્નની ના પાડી તરછોડતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ રાજકોટના મનહરપરા વિસ્તારમાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ ઇન્સ્ટાગ્રામ પ્રેમી જમાલ મેતરે લગ્ન કરવાની ના પાડતાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દૂધની ડેરી પાસે રહેતા જમાલ સાથે પરિણીતાને ત્રણ મહિનાથી પ્રેમસંબંધ હતો. જમાલે લગ્નની લાલચ આપીને પરિણીતાને એક મહિના સુધી અજમેર અને રાધનપુર ફેરવ્યા બાદ પાંચ દિવસ પહેલાં જ ઘરે મુકી ગયો હતો. બાદમાં તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દેતાં પરિણીતાએ આ પગલું ભર્યું હતું. પરિણીતાના 11 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને બે પુત્રો છે, જ્યારે આરોપી જમાલ મેતર પણ પરણિત છે અને ત્રણ બાળકોનો પિતા છે. હોસ્પિટલ ચોકીની જાણ બાદ થોરાળા પોલીસે પરિણીતાનું નિવેદન નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
રાજકોટ-જામનગર હાઈવે પર રિક્ષાની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત રાજકોટ-જામનગર હાઇવે પર ન્યારા ગામના પાટિયા પાસે રિક્ષાએ બાઇકને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા 26 વર્ષીય યુવક સુકરામ માનસીંગ ડામોરનું મોત નીપજ્યું છે. મૂળ એમ.પી.નો અને હાલ પડધરીના બોડીઘોડી ગામે વાડીમાં ખેતમજૂરી કરતો સુકરામ પોતાના બે મહિનાના પુત્રનો જન્મનો દાખલો લેવા રાજકોટ ઝનાના હોસ્પિટલ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી રિક્ષાએ તેને ઠોકર મારી હતી. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવક એક દીકરા અને એક દીકરીનો પિતા હતો. અકસ્માત સર્જીને નાસી છૂટેલા રિક્ષાચાલકની પડધરી પોલીસે શોધખોળ હાથ ધરી છે.