આજે અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે 31 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આજે 31 જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને કારણે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.

હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોનસૂન ટ્રફ, 3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *