જેતપુરમાં 4 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત

રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક ઘટના સામે આવી છે. નકલંગ રોડ પર આવેલા એક બાંધકામ સ્થળે રમતા રમતા ચાર વર્ષનું માસૂમ બાળક પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં બાળકનું મોત નીપજ્યું છે.

માહિતી મુજબ, જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ ટેનામેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. મૂળ દાહોદ જિલ્લાનો એક શ્રમિક પરિવાર અહીં મજૂરી કામ માટે આવ્યો હતો. પરિવારના સભ્યો જ્યારે કામમાં વ્યસ્ત હતા, ત્યારે તેમનો ચાર વર્ષનો દીકરો બાંધકામ સ્થળની આસપાસ રમી રહ્યો હતો.

રમતા રમતા બાળક અચાનક જમીનમાં બનાવેલા ખુલ્લા પાણીના ટાંકા પાસે પહોંચી ગયો અને તેમાં પડી ગયો. લાંબા સમય સુધી બાળક ન દેખાતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી.

શોધખોળ દરમિયાન પરિવારજનોએ પાણીના ટાંકામાં તપાસ કરતા બાળક ડૂબેલી હાલતમાં મળી આવ્યો. બાળકને તાત્કાલિક ટાંકામાંથી બહાર કાઢી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *