રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના મુસાફરોની સુવિધા તેમજ રેલ કનેક્ટિવિટી વધારવાના હેતુથી પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને મહત્વની રજૂઆતો કરી છે. રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટું વાણિજ્યિક અને ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી પ્રજાની લાંબા સમયની પડતર માંગણીઓ સત્વરે સંતોષવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે. પત્રમાં મુખ્યત્વે ચાર મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ બોટાદને બદલે રાજકોટ થઈને ચલાવવા માંગ કરાઈ છે.
ભાવનગર-શ્રીનાથદ્વારા વંદે ભારત ટ્રેનનું ઓરિજિન રાજકોટથી કરવા કે રાજકોટ-શ્રીનાથદ્વારા વચ્ચે નવી વંદે ભારત શરૂ કરવા રજૂઆત કરાઈ છે. કોવિડ બાદ સૌરાષ્ટ્ર મેઇલનો રાજકોટથી ઉપડવાનો સમય બપોરે 15:45 કલાકનો કરાયો છે, જેને બદલે જૂનો સમય સાંજે 18:05 કરવાનો અનુરોધ કરાયો છે. જામનગર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ભીડને ધ્યાને રાખી AC અને નોન AC કોચ વધારવા માંગ કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર શરૂ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા નેત્ર ચિકિત્સા સેવાઓના આધુનિકીકરણ અંતર્ગત મોતિયાના ઓપરેશન માટે ફેકોઈમલ્સિફિકેશન (Phacoemulsification) ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિતોને સ્થાનિક સ્તરે જ વધુ સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળશે. હાલમાં હોસ્પિટલના નેત્ર રોગ વિભાગમાં ઓર્ટલી કેટેરેક્સ ફેકોઈમલ્સિફિકેશન સિસ્ટમ, તકાગી OM-9 ઓપરેટિંગ માઈક્રોસ્કોપ અને હાઈ-ડેફિનેશન ડિસ્પ્લે મોનિટર જેવા આધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે.