નીના ગુપ્તાએ મહિલાઓની સ્થિતિ પર ખૂલીને વાત કરી, પોતાના જીવનના રાઝ ખોલ્યા

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ કહ્યું કે, સમાજમાં મહિલાઓની સ્થિતિ વિશે જેટલી વાતો કરવામાં આવે છે, વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ છે. આજે પણ દેશના મોટાભાગના ઘરોમાં છોકરીઓ પ્રત્યેની વિચારસરણી બદલાઈ નથી. તેમણે કહ્યું કે ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’નો નારો આપતા પહેલા દાદા-દાદી અને નાના-નાનીને ભણાવવાનું કામ કરવું પડશે, ત્યારે જ દીકરી ખરેખખર બચશે.

નીના ગુપ્તાએ આ વાત જયપુરની હોટેલ લલિતમાં આયોજિત ‘ડાયલોગ ઓન મેન્ટલ વેલનેસ’ કાર્યક્રમમાં કહી. આ દરમિયાન તેમણે પોતાની આત્મકથા ‘સચ કહું તો’, પરિવાર, મહિલાઓની સ્થિતિ, ઉછેર, સંબંધો, માનસિક સ્વાસ્થ્ય અને પોતાના જીવનના અનુભવો વિશે ખુલીને વાત કરી.

મારી પાસે કામ નહોતું ત્યારે કોઈ પણ મારા વિશે કંઈ પણ લખી દેતું હતું

નીના ગુપ્તાએ કહ્યું કે, ‘પોતાની આત્મકથા લખવાનો વિચાર લગભગ 25 વર્ષ પહેલા આવ્યો હતો. શરૂઆતમાં જ્યારે મારી પાસે કામ નહોતું, ત્યારે મારી કોઈ કિંમત નહોતી, તેથી કોઈ પણ મારા વિશે કંઈ પણ લખી દેતું હતું. ત્યારે મને લાગ્યું કે કોઈને ખબર જ નથી કે હું ખરેખર કેવી છું. તેથી મેં વિચાર્યું કે હું પોતે લખીશ કે હું વાસ્તવમાં કેવી છું.’

તેમણે જણાવ્યું કે, ‘શરૂઆતમાં પુસ્તક લખવા માટે એડવાન્સ પણ લીધું હતું, પરંતુ હિંમત એકઠી કરી શકી નહીં. હું મમ્મી, પપ્પા, ભાઈ અને તેમના પરિવાર વિશે લખવા માંગતી હતી. તેમણે આખી જિંદગી પોતાની સચ્ચાઈ છુપાવી રાખી હતી. મને લાગ્યું કે મને તેમની જિંદગી સામે લાવવાનો અધિકાર નથી. જ્યારે પણ લખવાનું શરૂ કરતી, વિચારતી કે મમ્મીને ખરાબ લાગશે, પપ્પાને ખરાબ લાગશે, ભાઈને ખરાબ લાગશે અને હું અટકી જતી હતી.’

‘કોવિડમાં હિંમત આવી, કારણ કે હવે કોઈનો ડર નહોતો’

તેમણે કહ્યું કે, ‘કોવિડ દરમિયાન જ્યારે હું છ મહિના પોતાના પહાડી ઘરમાં રહી, ત્યારે જ પુસ્તક પૂરું થઈ શક્યું. ત્યાં સુધીમાં મારા પરિવારના લગભગ બધા લોકો આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા. ત્યારે મને કોઈનો ડર નહોતો. કારણ કે આપણે સૌથી વધારે પોતાના લોકોથી જ ડરીએ છીએ. હું તો ભગવાન કરતાં વધારે મારી દીકરીથી ડરું છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *