રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં મારામારીના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન પ્રિતેશ ઉર્ફે દિકુડો ગોટેચાને ત્રીજી વખત પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. રાજકોટ ભક્તિનગ પોલીસ દ્વારા આરોપી પ્રિતેશ ઉર્ફે દિકુડો ગોટેચા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ મંજૂરી આપતા ભક્તિનગર પોલીસે આરોપી પ્રિતેશ ઉર્ફે દિકુડાની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી વિરુધ્ધ અગાઉ મારામારી અને ચોરી સહિતના કુલ 17 ગુના નોંધાઈ ચુક્યા છે તેમજ બે વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગત તા.06.05.2026ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી ભોગબનનારના પિતાએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં રહેતો આરોપી કરણ મહેશભાઈ મકવાણા તેમની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે ફરિયાદના આધારે પોલીસે આરોપી કરણ મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કરી આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે.
આરોપી જાણતો હોય કે ભોગ બનનાર સગીરા છે તેમ છતાં લલચાવી ફોસલાવી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરી ગંભીર ગુનો કર્યો છે આવા ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. અને પોક્સો અદાલતમાં આરોપી સામે કેસ શરૂ થઈ ગયો છે માટે જો તેને જામીન આપવામાં આવશે તો તે નાસી જશે અને કેસ ચાલવામાં વિલંબ થશે તેથી જામીન અરજી રદ કરવી જોઈએ. સરકાર તરફેની રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.