સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી

સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખડભળાટ મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા હતા. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે, નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો તાબડતોબ દોડી ગયા હતા. જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા.

ગ્રાહકોનું કરોડોનું સોનું પચાવી પાડવા કાવતરું ઘડ્યું આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરૂં ઘડ્યું છે.

આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની બિનહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી પાડવાનું આખો પ્લાન ઘડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *